રોજનું જીવન
રોજનું જીવન – રોજના મૃત્યુ વચ્ચેનો સંગર્ષ : ચિંતામાંથી આશા સુધીની યાત્રા
આધુનિક જીવનમાં દરેક માણસને પોતાની અંદર એક અદૃશ્ય સંઘર્ષ અનુભવાય છે. રોજ સવારે ઊઠવું, કામમાં જવું, જવાબદારીઓ નિભાવવી અને રાતે થાકી જવું આ બધું આમ તો “સાધારણ” લાગે, પણ ખરેખર એ દરેક દિવસ એક યુદ્ધ છે. એક એવું યુદ્ધ કે જેમાં ન શસ્ત્ર હોય છે, ન શત્રુ દેખાય છે પરંતુ મનની અંદર ઘમાસાણ ચાલી રહી હોય છે. એ જ સંઘર્ષને આ કાવ્ય “રોજનું જીવન – રોજનું મૃત્યુ” શબ્દો દ્વારા ઊંડાણથી સમજાવે છે.
કવિ કહે છે કે, “ચિંતાની ચિતા પર મન ધબકારા ગણ્યા કરે.” આજના સમયનું તત્ત્વ છે. માણસ બાહ્ય રીતે ભલે હસતો હોય, પણ આંતરિક રીતે ચિંતાથી દબાયેલો હોય છે. દિવસો જેવી રીતે પસાર થાય છે, તેમ તેમ દબાણ, ટેન્શન અને વિચારોનો વંટોળ વધી રહ્યો છે જીવન એક વાવાઝોડા જેવી સ્થિતિમાં છે, જ્યાં ઘડીકમાં બધું વેરવિખેર થઈ જાય છે.
આ કાવ્ય એ માત્ર લાગણી નહીં, એક વાસ્તવિકતા છે. એ બતાવે છે કે કેવી રીતે દરેક માણસ દિવસની શરૂઆત ઈશ્વરના નામથી કરે છે, આશાની એક કિરણ લઈને જીવવા માટે નવો દિન અપનાવે છે. અને એમ લાગવા લાગે છે કે જીવન ચાલે છે, કારણ કે “મન જાતે જ એ રસ્તો કાઢે ને બધું હેમખેમ કરે.
કાવ્ય અંતે એ સત્યને સ્પર્શે છે કે “રોજનું જીવન ને રોજનું મૃત્યુ, એવું કંઈક થયા કરે.” – દરેક દિવસ નવો જન્મ છે અને દરેક રાત એક નાનું મૃત્યુ. જીવન અને મૃત્યુ વચ્ચેનું પલાં પલ જીવવું – એજ જીવન છે.
આવી ભાષામાં લખાયેલું કાવ્ય, માત્ર એક રચના નહીં પણ આજના સમયમાં દરેક વ્યક્તિના આંતરિક અવાજ જેવી લાગે છે મૌન પીડાને શબ્દ આપે છે અને થાકેલા મનને આશાનું આંચળ આપે છે.
રોજનું જીવન
ચિંતાની ચિતા પર,
મન ધબકારા ગણ્યા કરે.
મગજ પણ બિચારું,
એ વિચારોમાં રમ્યા કરે.
એક ભયાનક વાવાઝોડું આવે,
ને ઘડીકમાં વેરવિખેર બધું કરે.
ને ફરી મન જીવિત થાય,
ને ચિંતાની ચિતા ઠંડી કરે.
જાતે જ એ રસ્તો કાઢે ને,
બધું હેમખેમ કરે.
ઇશ્વરનું નામ દઈને મન,
નવા દિનનું સ્વાગત કરે.
આમ, રોજનું જીવન ને
રોજનું મૃત્યુ, એવું કંઈક થયા કરે..!
2 Comments