આભનો કલાકાર
આભનો કલાકાર
કુદરતનો આભ એ એક વિશાળ કેન્વાસ છે, જ્યાં અદ્રશ્ય કલાકાર રોજ નવા રંગો ભરે છે. સવારે ઊગતા સૂરજ સાથે આભ પર કિરણોનું સોનેરી ઝરણું છલકાય છે, તો ક્યારેક સાંજના વેળાએ લાલિમાથી આભ જાણે પ્રેમનો રંગ ભરી દે છે. પણ આ બધાની વચ્ચે, સૌથી અનખું સર્જન એ વાદળો છે. વાદળો આકાશના કેન્વાસ પર એવી કલ્પનાઓ ઊભી કરે છે, જે આપણા મનને અચંબિત કરી મૂકે છે.
ક્યારેક વાદળો જાણે પહાડ જેવાં ગગનને સ્પર્શે છે, તો ક્યારેક તે નદીઓ, ઝરણાં અને વેલો જેવી આકૃતિઓ ભરી દે છે. એ સફેદ રંગની દુનિયા જોઈને મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે આ બધું કયા અદ્રશ્ય કલાકારે સર્જ્યું હશે? કુદરતનો આ ચમત્કાર આપણને કલ્પનાની દુનિયામાં લઇ જાય છે, જ્યાં દરેક વાદળ એક નવી વાર્તા કહે છે.
મન ઘણીવાર કહે છે કે જો પાંખો હોત તો આ આભની દુનિયામાં ઊડી જઈએ. જૂની દુનિયાનું ભાર છોડીને, એ સફેદ રંગની નવી દુનિયામાં પ્રવે જ્યાં શાંતિ, આનંદ અને અજોડ સૌંદર્ય જ હોય. આ કલ્પનાથી જ આનંદની લહેર ઉઠે છે, તો વિચા જો આ વાસ્તવમાં અનુભવવા મળે તો એ આનંદ કેટલો અનહદ હશે
વાદળોના આ અનોખા સર્જનથી આપણને સમજાય છે કે કુદરતની કળા માનવ બનાવેલી કોઈપણ કળા કરતાં વિશાળ અને અદ્વિતીય છે. આભનો કલાકાર રોજ નવા સ્વરૂપે આપણને જીવનમાં કલ્પના, પ્રેરણા અને આનંદની ભેટ આપે છે.
આભનો કલાકાર
આભમાં અદ્રશ્ય કલાકારે જાણે,
કર્યું વાદળોની દુનિયાનું સર્જન!
વાદળિયા પહાડ, નદી, ઝરણાં,
ઝાડ, ફૂલ, વેલ પણ શ્વેત સજર્યાં.
શ્વેતરંગી દુનિયાનું કોણે,
કર્યું હશે આ અનોખું સર્જન?
મન કહે ઊડી ચડું ત્યાં,
કરી જૂની દુનિયાનું વિસર્જન.
કલ્પનામાત્રથી જ કરાવે જે,
અદ્ભૂત આનંદની અનુભૂતિ.
વાસ્તવમાં જો મળી જાય,
તો એ આનંદ અનહદ હશે!
કોઈ તો લઇ જાય મને ત્યાં,
જોવા એ નવી દુનિયાનું સર્જન!