નાના છોકરા માટે નું બાળગીત

બાપા સીતારામ 

આજે મારી છોકરી રાધિકા નો જન્મદિવસ છે  આજે એક  બાળગીત  રજુ કરું ચુ મને આશા છે કે તમને બધાને આ ગીત ગમશે અને તમે બધા મારુ છોકરી ને આશીર્વાદ આપશો કે તેને જીવન ખુબજ સારું રહે ને   આશીર્વાદ રહે .

     પણ આ સાથે સાથે ડુગડુગિયાવાળી કવિતા સાથે સંકળાયેલ કેટલીક યાદો પણ આપની સાથે વ્યક્ત કરવી છે. સૌ પહેલા કહું તો આ કવિતા મેં મારા ૩જા ધોરણમાં પાઠ્યક્રમમાં ભણી છે અને બહું જ ગમતી અને યાદ પણ હતી.તો બીજું એ કે મારી મોટી બહેન અલ્કાબહેન પ્રાથમિક શિક્ષિકા છે અને તેઓ પણ આ કવિતા કેટલીયે વાર બાળકોને ભણાવી ચૂક્યાં છે, અને અન્ય વાત કહું તો મારી મિત્ર મન પણ અત્યારે પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા છે અને યોગાનુયોગ તેમને પણ ત્રીજું ધોરણ ભણાવવા મળેલ છે અને તેમણે પણ આ કવિતા થોડા સમય પહેલા બાળકોને ભણાવી હતી.

તો આપને થશે કે આમાં શું ખાસ છે? તો જેમ ફિલ્મોમાં થાય છે ને તેમ ફ્લેશબેકમાં જઈએ, આજથી ૬-૭ વર્ષ પહેલા જ્યારે મારે ૧૨માં ધોરણનું વેકેશન હતું ત્યારે હું અને મારી મિત્ર મન મારી અલકાબહેનના ઘરે ગયા હતા. તે સમયે તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર પાસેનાં એક નાનકડાં સુથારનેસડી નામક ગામડે રહેતાં, અને તે દિવસે અમે અચાનક જ પહોંચી ગયેલા અને ગામ સાવ નાનું અને શાળામાં ચાલુ દિવસ હોઈ તે નિશાળમાં જ હતી.અને અમે સગડા [મોટર સાઈકલની પાછળ જોડેલ ખુલ્લી રિક્ષા જેવું સાધન]માંથી ઉતર્યા ત્યારે આખું ગામ અમને ઘેરી વળેલું અને અમને ઠેક શાળા સુધી મુકી ગયેલું.

આ પછી બીજા દિવસે પણ અમે શાળામાં મારી બેનની સાથે ગયેલા અને આમ પણ અમને બંનેને પણ બાળકો બહુ ગમે અને તે દિવસે મારી બેને આ ડુગડુગિયાવાળી કવિતા ભણાવવાની શરૂઆત કરી તો મને થયું કે માત્ર કવિતા જ શું કામ ચાલોને બાળકોને કાંઈક મજા પડે તેવું પણ કરીએ.તો મેં કહ્યું કે આજે ડુગડુગિયાવાળી કવિતા છે તો બધાને ડુગડુગિયા બનાવતાં શીખવાડીએ, અને મારી બેન અને મારી મિત્ર મનની સાથે બધા બાળકોએ પણ આ પ્રસ્તાવને વધાવી લીધો, પણ ખરી મુસીબત તો હવે થઈ કે જ્યારે બનાવવાનું આવ્યું ત્યારે કોઈને બનાવતાં આવડતું નથી અને તેથી પણ વધું અમારી પાસે સામાનમાં માત્ર એક કાગળ,દોરી અને સળી સિવાય કોઈ જ વસ્તું નહોતી.પછી નક્કી કર્યું અને મન અને મારી બેનની બંગડી તથા બીજી બાળાઓની બંગડી લીધી અને બે બંગડી પર

વચ્ચે અંતર રાખી ડુગડુગિયું બનાવવાનું વિચાર્યું તો કાગલ કઈ રીતે ચિપકાવવો તો યાદ આવ્યું કે શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભાત બનાવેલ તો તેની મદદ લઈ કાગળ ચિપકાવ્યા અને વચ્ચેથી સળી પસાર કરી અને દરેક બંગડીના છેડે બાંધેલ દોરી ના બીજા છેડે નાના પથ્થર બાંધી દીધાં અને આવું પ્રથમ ડુગડુગિયું બન્યું અને વગાડ્યું ત્યારે બધા બાળકોએ તાળીઓથી વધાવી લીધું અને પછી તો દરેક બાળકોએ પણ બનાવવા માંડ્યું અને જ્યારે નિશાળ છુટી ત્યારે દરેક બાળકના હાથમાં તેમનું બનાવેલ ડુગડુગિયું હતું અને ચહેરાં પર કંઇક અનેરો આનંદ સાથે વિદાય લીધી.

અને આ આનંદ જોઈ અમને પણ ખુબ જ આનંદ થયો.અને જ્યારે તે પછીના દિવસે નિશાળ ગયાં ત્યારે દરેક બાળક કહેતા હતાં કે તમે જ હવે ભણાવો ને તમે જે રીતે ભણાવો છો અમને બહું ગમે છે તમે અમને ભણાવશોને… પણ તે તો શક્ય ન હતું અને અમે ત્યાંથી નિકળ્યાં ત્યારે તેમની આંખોમાં પણ આંસુ હતા. માટે જ એ બાળકોનું આ સ્મિત અને વિદાય અમને ત્રણેયને હંમેશા યાદ રહેશે અને તેથી જ જ્યારે મારી મિત્ર મન ને આ કવિતા ભણાવવાની આવી તો તેમના મનમાં પણ આ યાદો તાજી થઈ ગઈ અને મને ફોન પર આ વાત જણાવી ત્યારે હું પણ એ યાદોમાં ફરી ખોવાઈ ગયો.અને આજે જ્યારે ભાણીના જન્મદિન પર આ બાળગીત રજું કરતા આપની સાથે પણ આ પળોને માણતાં રોકી ન શક્યો. મિત્રો આપ સૌ ને પણ જો કોઈ આવો અનુભવ થયો હોય કે અન્ય કંઈ હોય તો તે મને આપના પ્રતિભાવ દ્વારા જણાવશો ને…..

નેહાબહેન,દોડો,હીનાબહેન,દોડો,

પેલી ડુગડુગિયાવાળી આવી.

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

એક રૂપિયાનું ડમરૂ આપે,

આપીને છાતીએ ચાંપે,

બળબળતા ઉનાળા તાપે,

આવીને ઊભી છે ઝાંપે,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

રંગે છે એ બહુ રૂપાળી,

રોજ મને આપે છે તાળી,

જો હું એને જાઉં ભાળી,

રમવા માંડું સાતતાળી,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

એ ડમરૂ રાખી ગાલે,

કેવી ઠુમ્મક ઠુમ્મક ચાલે,

બાબા બેબીબે બોલાવે,

ગીત મધુરાં ગાએ,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

પૂરી પાંચ હાથ એની કાયા,

બાળક ઉપર બહુ માયા,

જાણે સગી માડીના જાયા,

આપે રોજ મજાનાં ડુગડુગિયાં,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

તમને આ બાળગીત  કેવું લાગ્યું એ મને જણાવજો 

Leave a Comment